Amrutno Odkaar By: Dr. I.K.Vijliwala (Moticharo-Part-4)
અમૃતનો ઓડકાર.
ડૉ. આઈ. કે. વીજળીવાળા
ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં તાજેતરમાં પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે.
[1] ગરીબાઈ !
એક ખૂબ અમીર માણસ હતો. એનો છોકરો મોંમાં ચાંદીની ચમચી નહીં, પરંતુ હીરામઢેલ ચમચી લઈને જ જાણે જન્મ્યો હતો. જાહોજલાલીમાં ઊછરતો એ છોકરો જ્યારે આઠ વરસનો થયો ત્યારે પેલા અમીર માણસને એક વિચાર આવ્યો. એને થયું કે બાળકે અમીરાત તો આજ સુધી જોઈ, પરંતુ ગરીબાઈ શું કહેવાય એનો એને ખ્યાલ તો આવવો જ જોઈએ. લોકો પાસે કેટલી ઓછી વસ્તુઓ હોય છે છતાં એ લોકો કેવી રીતે જીવતા હોય છે એનું એ બાળકને પ્રત્યક્ષ જ્ઞાન તો મળવું જ જોઈએ. એટલે એણે દૂરના એક અંતરિયાળ ગામડામાં જવાનો કાર્યક્રમ બનાવ્યો. એ એના થોડાક સગા તેમ જ એની પત્ની તથા બાળક સાથે દૂરના એક ખેતરમાં પહોંચ્યો.
ખેતરનો માલિક આ અમીર માણસોને જોઈ દોડતો આવી પહોંચ્યો. પેલા માણસે પોતાનું કુટુંબ એકાદ રાત એના ખેતરમાં ગાળવા માગે છે એવું એને જણાવ્યું. ખેડૂત તો રાજી રાજી થઈ ગયો. એની ખખડધજ ઝૂંપડી પાવન થઈ ગઈ એવું બધું પણ એણે કહ્યું. ખેડૂતના મેલાઘેલા અને ફાટેલાં કપડાં, એના ઘરની દશા તથા અડધા ઉઘાડા, ધૂળમાં રખડતા એના છોકરા એમની દારુણ ગરીબીની ચાડી ખાતા હતા. અમીર માણસ અને એની પત્ની પેલા ખેડૂતના કુટુંબની આગતાસ્વાગતા માણતાં હતાં. એ વખતે એમનો દીકરો ખેડૂતના છોકરાઓ સાથે ખેતરમાં, આજુબાજુના નદી-નાળામાં, બાજુના પર્વતની તળેટીમાં, ગારામાં તેમજ ધૂળમાં ધિંગામસ્તી કરતો હતો. એના ચહેરા પરની ખુશી જોતાં જ એને ખૂબ મજા આવતી હશે એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
એ દિવસ ખૂબ ધમાલ સાથે પૂરો થયો. જિંદગીમાં પહેલી વખત ખુલ્લા આકાશની નીચે ફળિયામાં સૂતેલો એ બાળક આકાશમાં રચાયેલ અદ્દભુત તારાસૃષ્ટિ જોઈને આભો બની ગયો. ઍરકન્ડિશનરની કૃત્રિમ હવાને બદલે પર્વતાળ ઠંડી હવાની લહેરખીઓ એ પહેલી વખત માણી રહ્યો હતો. થોડી વારમાં જ એ ઠંડી હવાએ ક્યારે બધાંને મીઠી ઊંઘમાં પોઢાડી દીધાં એનો કોઈને ખ્યાલ પણ ન રહ્યો.
સવારે નાસ્તો-પાણી પતાવી, ખેડૂતને પરાણે પૈસા તેમ જ ભેટસોગાદો આપી એ અમીર માણસ અને એનું કુટુંબ ઘર તરફ આવવા નીકળ્યાં. પોતાના બાળકને ગરીબાઈનું પ્રત્યક્ષ દર્શન કેવું લાગ્યું હશે એ જાણવાની પેલા અમીર માણસને ખૂબ જ ઈન્તેજારી હતી. એણે ચાલુ ગાડીએ જ પોતાના દીકરાને પૂછ્યું :
‘કાં બેટા ? તને આ ટ્રીપ કેવી લાગી ?’
‘અરે ! પપ્પા ! ખૂબ સરસ ટ્રીપ હતી ! મને તો ખૂબ જ મજા પડી !’ બાળકે જવાબ આપ્યો. બાળકનો અતિઉત્સાહભર્યો જવાબ સાંભળી એ અમીર માણસને નવાઈ લાગી. એણે આગળ પૂછ્યું :
‘ગરીબ લોકો અંગે તને ખ્યાલ આવી ગયો ને બેટા ? ગરીબાઈ અને ગરીબ કોને કહેવાય એ તેં બરાબર જોયું અને એ તું સમજ્યો ને બેટા ?’
‘હા પપ્પા !’ બાળકે જવાબ આપ્યો, ‘પપ્પા ! મેં બધું જ બરાબર ધ્યાનથી જોયું હતું હો ! જુઓ, આપણા ઘરે ફક્ત એક જ કૂતરો છે. જ્યારે એ લોકોની પાસે ત્રણ કૂતરા, એક કૂતરી અને છ ગલૂડિયાં હતાં ! આપણો સ્વિમિંગ પુલ તો કેટલો નાનકડો છે જ્યારે એમનું તળાવ તો દૂ…ર… સુધી ફેલાયેલું હતું ! રાત્રે આપણા બગીચામાં તો આપણે થોડીક જ લાઈટો કરીએ છીએ, પરંતુ એ લોકોના ફળિયામાં તો ગઈ કાલે કેટલા બધા તારા હતા, નહીં ? આપણા કમ્પાઉન્ડની દીવાલ થોડેક સુધી જ છે, પરંતુ એમની જમીન તો છે….ક ક્ષિતિજ સુધી પહોંચે છે. આપણે આપણું થોડુંક કામ પણ જાતે નથી કરી શકતા. એ માટે નોકર રાખીએ છીએ, જ્યારે એ લોકો તો કેટલા જોરદાર છે નહીં ? એ લોકો પોતાનું કામ તો કરે જ છે ઉપરાંત બીજાનું કામ પણ કરી આપે છે. જુઓને ! આપણને એ લોકોએ કેવા સરસ રીતે સાચવ્યા હતા ?’ ઉત્સાહપૂર્વક બોલતા બાળકે પિતા સામે જોયું.
‘હું….ઉ….’ અમીર બાપ નવાઈ સાથે અને કંઈક અસમંજસપૂર્વક જોઈ રહ્યો.
પરંતુ પોતાની ધૂનમાં મસ્ત દીકરાએ વાત શરૂ જ રાખી, ‘અને પપ્પા ! આપણે અનાજ ખરીદવું પડે છે, જ્યારે એ લોકો તો જાતે જ અનાજ ઉગાડે છે અને બીજાને પણ આપે છે ! આપણે મદદ માટે સિક્યોરિટીના માણસો રાખીએ છીએ જ્યારે એ લોકોના પાડોશીઓ અને મિત્રો જ એમને રક્ષણ આપે છે. પેલા દાદા કહેતા હતા ને કે જરૂર પડે અને સાદ પાડીએ એટલે આજુબાજુના ખેતરવાળા દોડતા આવી જ જાય ! અને સાચું કહું પપ્પા ? મને તો એક વાતની ગઈ કાલે જ ખબર પડી !’ બાળકે પિતા સામે જોયું.
‘કઈ વાતની ?’ બાપે મૂંઝવણના ભાવ સાથે પૂછ્યું.
‘કે આપણે ખૂબ જ ગરીબ છીએ ! આપણી કરતા એ લોકો પાસે કેટલું બધું વધારે છે એ પણ મને ગઈ કાલે જ સમજાયું !’
|