અંતરનાદ - એક નૃત્યમય જીવન લેખક : મૃણાલિની સારાભાઈ
Antarnad Ek Nrutyamay Jivan (Atmakatha) by Mrinalini Sarabhai
Biography of Mrinalini Sarabhai in Gujarati
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના, મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈના પત્ની અને ગુજરાતનું ઘરેણું એવાં મૃણાલિની સારાભાઈની આત્મકથા. પોતાનાં બાળપણ, શાળાજીવન, શાંતિનિકેતનનાં સંસ્મરણો, ગુરુવર્યો, મૈત્રીસંબંધો, પ્રતિષ્ઠિત પરિવારમાં પુત્રવધુ તરીકેની ભૂમિકા, કૌટુંબિક જીવન જેવી અનેક વાતો આવરી લેતી નિખાલસ આત્મકથની.
લેખકનાં કુટુંબજીવન અને જાહેરજીવનના ફોટોગ્રાફ્સ પુસ્તકમાં ઠેર ઠેર આપવામાં આવ્યા છે.
જાણીતાં, માનીતાં નૃત્યાંગના મૃણાલિની સારાભાઈએ આલેખેલી પોતાની આત્મકથા ‘ ધ વોઈસ ઓફ ધ હાર્ટ’ ( The voice of the heart ) નો ગુજરાતી ભાષામાં અનુવાદ તે ‘ અંતર્નાદ.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આટલી મહાન વ્યક્તિની આત્મકથાનો અનુવાદ કરવો એ ભારે પડકારરૂપ કાર્ય ગણાય. એને અનુવાદ કહેવા કરતાં ભાવાનુવાદ કે મુક્તાનુવાદ કહેવું ઉચિત ગણાશે. આ કાર્ય અત્યંત જહેમત અને ચીવટપૂર્વક રસાળ શૈલીમાં વલસાડ સ્થિત
બકુલાબહેન ઘાસવાળાએ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં કોઈ જગ્યાએ યાદ નથી આવતું કે આપણે અનુવાદિત પુસ્તક વાંચી રહ્યાં છીએ. એક એક શબ્દ, વાક્યની ચકાસણી અમ્માની હાજરીમાં એમનાં સહાયકો અપર્ણાબહેન, જિજ્ઞેશ, જયરાજભાઈ, હરીશભાઈ દ્વારા કરવામાં આવી હતી. સરૂપ ધ્રુવ , ત્રિદીપ સુહૃદ, માધવ રામાનુજ, રજનીભાઈ, પ્રો. ત્રિવેદી જેવા વિદ્વાનો દ્વારા તે વંચાયું. છેવટે અમ્મા અને દીકરી મલ્લિકાબહેને મહોર માર્યા પછી એ પ્રકાશિત થયું છે, જાણે એક પ્રકારની અગ્નિપરીક્ષા!
૨૭ પ્રકરણો અને ૩૧૬ પાનાંમાં પથરાયેલ આ દળદાર પુસ્તક જ્યારે મેં હાથમાં લીધું, ત્યારે ખરેખર ગભરાટ થયેલો કે આટલું બધું ક્યારે વંચાશે અને મને કેટલો રસ પડશે? એક વાર શરૂઆત કર્યા પછી મૃણાલિનીબહેન દિલ-દિમાગ પર એવાં સવાર થઈ ગયાં કે બીજાં બધાં કામ બાજુએ મૂકી પુસ્તકને જ ન્યાય આપવો પડ્યો. વાંચતાં વાંચતાં મને સતત એ જ આશ્ચર્ય રહ્યા કર્યું કે કોઈનું જીવન પોતાની કલા અને ધ્યેયને આ હદે સમર્પિત રીતે રહી શકે? આટલી ઉચ્ચ કક્ષાની સાધના હોઈ શકે? પ્રસ્તાવનામાં લખાયેલા એમના શબ્દો એમની નૃત્યભક્તિને ઉજાગર કરે છે : ‘વર્ષોનાં વર્ષો સુધી લોકો મને સતત પૂછતાં રહ્યાં, ‘નૃત્ય તમારા માટે શું છે?’ સામાન્યત: મારો પ્રત્યુત્તર હોય છે, ‘ એ મારો શ્વાસછે, ઉત્કટતા છે, હું છું.’ આના પરથી કહી શકાય કે એમને માટે તો એવું હતું , ‘અહમ્ નૃત્યાસ્મિ! – હું એ નૃત્ય છું અને નૃત્ય એ હું છું.’
પિયર અને શ્વસુરગૃહ બન્ને માતબર અને પ્રતિષ્ઠિત હોવા છતાં જીવન એમને માટે ક્યારેય ફૂલોની સુંવાળી પથારી જેવું ન હતું. બાલ્યાવસ્થાથી માંડીને જીવનના અસ્તાચલ સુધી કંઈ કેટલીયે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક વિટંબણાઓ સામે વીરાંગનાની જેમ તેઓ ઝૂઝતાં રહ્યાં. સાવ દુબળી, પાતળી અને નાનકડી દેખાતી આ સ્ત્રીમાં આટલું જોમ કોણે ભર્યું હશે એવો સવાલ થાય, પણ જવાબ તરત મળે – એમની અતૂટ કૃષ્ણભક્તિ અને નૃત્યસાધનાએ…..
વિક્રમ સારાભાઈ જેવા મહાન વૈજ્ઞાનિક અને પ્રેમાળ પતિની પત્ની હોવા છતાં એમણે હંમેશાં પોતાની આગવી ઓળખ જાળવી રાખી. આ આત્મકથનમાં તેમનાં શૈશવ, શિક્ષણ, યુવાની, પ્રેમસંબંધો, લગ્ન, સાસરવાસ, અનુકૂલન, નૃત્યયાત્રા, પ્રવાસયાત્રા, સંઘર્ષયાત્રા, સંતાનો અને માનસ-સંતાનો સાથેના સંબંધો, કૃષ્ણપ્રેમ, અધ્યાત્મયાત્રા, વિક્રમભાઈનો સહવાસ અને એમના જવા પછીની પ્રલંબ જીવનયાત્રાના વિવિધ પડાવ વિશે નિખાલસ અને પારદર્શક આલેખ મળે છે. પોતાની સફળતાની વાતો કરી છે, તો પીછેહઠ કે નિષ્ફળતાની વાત કરવામાં તેમને કશી છોછ નથી. સંયત શબ્દોમાં પોતાના ગમા-અણગમાની અભિવ્યક્તિ પણ અહીં છે.
ખાસ કરીને માતાપિતા, વિક્રમભાઈ, સંતાનો, સહકાર્યકરો સાથેના સંબંધોની વાતો એમની નિજી જિંદગીનો ખ્યાલ આપે છે; તો એમના ખુશહાલ મિજાજની ઝલક પણ આપે છે. સામાજિક સમસ્યાઓને એમણે નૃત્ય દ્વારા કઈ રીતે દર્શાવી તેનું વિશદ વર્ણન પથદર્શક બને તેવું છે. તેઓ સફળ નૃત્યાંગના હોવા ઉપરાંત સારાં ઈવેન્ટ મેનેજર, કાબેલ સંકલનકાર, લેખિકા, વસ્ત્રપ્રેમી, ફેશન ડિઝાઈનર, ઊંચા ગજાનાં સંવાદક(કમ્યુનિકેટર) તરીકે પણ ઉઘડે છે.
આ આત્મકથા નાની બાલિકાથી લઈ વયોવૃદ્ધ સન્નારી અને અંતે અમ્માની અભિવ્યક્તિ છે. અજાણ્યા પરિવેશમાં અનુકૂળ થવા સંઘર્ષ કરતી યુવતીની મનોદશાને નજાકતથી દર્શાવવામાં તેઓ સફળ રહ્યાં છે. નૃત્યક્ષેત્રે આગળ આવવા માગતાં કળાકારો માટે આ આત્મકથા દીવાદાંડી છે તે માટે બેમત નથી.
|