Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Bhagvaan Ni Tapaal
Gunvant Shah
Author Gunvant Shah
Publisher R.R.Sheth & Co.
ISBN
No. Of Pages 95
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 125.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
782_bhagwaan_ni.Jpeg 782_bhagwaan_ni.Jpeg 782_bhagwaan_ni.Jpeg
 

Description

Bhagvaan Ni Tapaal

 

ભગવાનની ટપાલ

ગુણવંત શાહ

જીવનને સહજધર્મની વધારે નજીક લઈ જઈ ને માનવતાના મૂલ્યોને વિકસાવવામાં મદદરૂપ થાય એવા સુંદર પ્રેરકનિબંધોના પુસ્તક ‘ભગવાનની ટપાલ’માંથી સાભાર.

[1] નિયતિ રામને પણ ન છોડે

આપણે સૌ પૃથ્વી નામના ગામના નાગરિકો છીએ. એ ગામનું અસલ નામ ‘જીવનગ્રામ’ છે. સમગ્ર બ્રહ્માંડમાં આવું બીજું કોઈ ગામ હોવાનું જાણ્યું નથી. ગામમાં રહેનાર સૌને દુઃખની ભેળસેળ વગરનું સુખ જોઈએ છે. સુખ માણસની ઝંખના છે, દુઃખ જીવનની હકીકત છે. ભગવાન બુદ્ધને સમજાયું કે જીવન દુઃખમય છે. તથાગતે લાંબા ચિંતનને અંતે ચાર આર્યસત્યો માનવજાતને સંભળાવ્યાં : 1. દુઃખ છે. 2. દુઃખનું કારણ છે. 3. દુઃખનો ઉપાય છે. 4. ઉપાય શક્ય છે. આવી દુઃખમીમાંસાને અંતે તથાગતે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં બતાવ્યાં : ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (ઉપેક્ષા એટલે વૈરાગ્યયુક્ત જીવનદષ્ટિ)

 

આપણા જેવા સામાન્ય માણસો સુખની ક્ષણે છલકાઈ જાય છે અને દુઃખની ક્ષણે બેવડ વળી જાય છે. આપણને સૌને એક પ્રશ્ન સતાવે છે : દુઃખની સાથે કામ શી રીતે પાડવું ? જીવનમાં ચાર પ્રકારની દુઃખદ ઘટનાઓ માટે માણસે પોતાના મનને સતત તૈયાર રાખવાનું છે.

1. સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ 2. કલ્પના પણ ન કરી હોય એવી વ્યક્તિ તરફથી દગાબાજી 3. ઓચિંતો ત્રાટકેલો કોઈ અસાધ્ય રોગ 4. સંજોગોના ષડયંત્રને કારણે આવી પડેલી ગરીબી.

સુખની ઝંખના ટાળવા જેવી બાબત નથી. દુઃખની પ્રતીક્ષા ન હોય, પરંતુ એ આવી જ પડે ત્યારે સાધકે કહેવાનું છે : ‘ભગવન ! તારી ઈચ્છા પૂર્ણ થાઓ.’ આ વાત કહેવી સહેલી છે, પણ પચાવવી મુશ્કેલ છે. આપણું જીવન એક એવું રહસ્ય છે, જે આપણને જ સમજાતું નથી. ત્રણ અંગ્રેજી શબ્દો અગત્યના છે : Myth, Mysticism અને Mystery. આ ત્રણે શબ્દો ગ્રીક ક્રિયાપદ ‘Musteion’ પરથી આવેલા છે. એનો સીધોસાદો અર્થ છે : ‘મોં બંધ કરવું અને આંખો બંધ કરવી.’ આપણા રોજિંદા જીવનમાં એક જ વાત મનોમન પાકી કરવાની છે કે જીવન ઢંકાયેલું (Obscure) છે, અંધારામાં ગોપાયેલું છે કે પછી શાંતિથી ભરેલું છે. આવી સહજ અનુભૂતિ જ્ઞાન ભણીની યાત્રાનો પ્રારંભ બની જાય એ અશક્ય નથી. દુઃખને આમંત્રણ આપવાનું નથી, પરંતુ આવી પડેલા દુઃખનો સદુપયોગ કરી લેવાનું ટાળવા જેવું નથી. જૉન બોરિસેન્કો કહે છે : ‘તમે મૃત્યુ પામશો કે નહીં એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે મૃત્યુ પામશો.’ જીવન રહસ્યમય છે, પરંતુ મૃત્યુ તો સાક્ષાત રહસ્ય જ છે.

 

જે ચીજની આપણે તૃષ્ણા નથી રાખી તે ચીજ આપણા દુઃખનું કારણ બનવાની તાકાત ગુમાવી બેસે છે. સુખની ઝંખના નથી સતાવતી, પરંતુ છીછરા સુખની ઝંખના આપણી આનંદયાત્રામાં અંતરાય ઊભો કરનારી છે. શરાબસેવન સુખદાયી જણાય છે, પરંતુ લાંબે ગાળે એ આપણા સહજ આનંદને કાપે છે. આપણી નાનીમોટી ઈચ્છાઓના રાફડા સર્જાતા રહે છે. જેની ઈચ્છા રાખીએ તે કાયમ ઈચ્છનીય હોય છે ખરું ? જેની પ્રાપ્તિ આપણી તૃષ્ણાને જગાડે છે તે પ્રાપ્તવ્ય જ હોય એવું ખરું ? જેનું આપણે મન ઘણું મૂલ્ય હોય તે ખરેખર મૂલ્યવાન હોય જ એવું ખરું ? આજકાલ જ્યાં જુઓ ત્યાં છીછરા સુખ પાછળની દોટ જોવા મળે છે. છીછરું સુખ આખરે તો ઊંડા દુઃખમાં પરિણમતું જોવા મળે છે. ટેકનોલૉજી સુખ અને દુઃખથી પર એવા આનંદથી આપણને છેટા ન રાખે ત્યાં સુધી આવકારદાયક છે. ‘આનંદ’ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. વૈરાગ્ય વિના આનંદ ક્યાંથી ? આપણી અઢળક ઈચ્છાઓને સખણી રાખનારા વૈરાગ્ય (ઉપેક્ષાભાવ) વિના આનંદની સહજ અનુભૂતિ શક્ય ખરી ? ઈચ્છાપૂર્તિમાં બધું જીવન વીતી જાય ત્યારે માનવું કે જીવનભર મજૂરી જ ચાલતી રહી. મજૂરી કદી પણ આનંદપર્યવસાયી ન હોઈ શકે. સફળતાની ઝંખના રોગની કક્ષાએ પહોંચે ત્યારે નિષ્ફળતાનું સૌંદર્ય નષ્ટ થાય છે. રળિયામણી નિષ્ફળતા સૌના નસીબમાં ક્યાંથી ? એક ફ્રેન્ચ કહેવત છે : જખમોની કથા ધૂળ પર લખજો, પરંતુ કરુણાની કથા આરસપહાણ પર લખજો.

 

મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન દુઃખ નામના તત્વને સમજવામાં ઉપકારક થાય તેમ છે. જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે ચૌદ વર્ષનો વનવાસ આવી પડ્યો. વનવાસ પૂરો થવામાં હતો ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું અને ઓચિંતો સીતાત્યાગનો પ્રસંગ ઉપસ્થિત થયો. વાલ્મીકિ ઋષિના પ્રયત્નને પરિણામે ફરીથી રામસીતા મિલનની ક્ષણ નજીક હતી ત્યાં સીતા પૃથ્વીમાં સમાઈ ગઈ. જો નિયતિ રામને ન છોડે તો આપણને છોડે ખરી ? જીવનમાં બધું કેમ, કઈ રીતે અને કોના દોરીસંચારથી બને છે તેનો ખયાલ આપણને આવતો નથી. જીવનના રહસ્યનો આવો અભિક્રમ આપણા હાથની વાત નથી. શું દુઃખ સામે હાથ જોડીને બેસી રહેવું ? રામનું જીવન અહીં પ્રેરણાદાયી બની શકે. સીતાનું અપહરણ થાય એ નિયતિનો ખેલ હતો, પરંતુ રાવણવધ એ રામના પ્રચંડ પુરુષાર્થનું પરિણામ હતું.

 

ઈચ્છાપૂર્તિ માટે સતત મથવું એ કામદારવૃત્તિ છે. સુખનો સહજ સ્વીકાર એ કારીગરવૃત્તિ છે. સાક્ષીભાવે દુઃખનો વૈરાગ્યપૂર્ણ સ્વીકાર એ કલાકારવૃત્તિ છે. જીવન નાની નાની અસંખ્ય ઘટનાઓનું બનેલું છે, પરંતુ જીવન સ્વયં નાની ઘટના નથી. જીવતાં હોવું એ પ્રાપ્તિ છે, પરંતુ જીવંત હોવું એ ઉપલબ્ધિ છે.

 

 

 

[2] તમારી સાથોસાથ ચાલતો ત્રીજો પુરુષ

 

આપણે નિહાળીએ કે ન નિહાળીએ, પરંતુ સૃષ્ટિમાં સતત ક્ષણપ્રવાહ ચાલી રહ્યો છે. આપણે જાગીએ કે ઊંઘીએ, સદકર્મ કરીએ કે દુષ્કર્મ કરીએ, પ્રવૃત્તિ કરીએ કે પ્રમાદ સેવીએ, પ્રેમસાગરમાં ડૂબકી મારીએ કે રાગદ્વેષના તરંગો પર તરીએ, પાપ કરીએ કે પુણ્ય વાવીએ અને ધ્યાન કરીએ કે નશો કરીએ, પરંતુ એ ક્ષણપ્રવાહ તો સાવ સ્વતંત્રપણે જગતની લીલાથી લેપાયા વગર સતત ચાલતો જ રહે છે. ઘડીભર થંભી જઈને એ પ્રવાહને સાક્ષીભાવે નીરખીએ તો કદાચ સમજાય કે આપણું ‘હોવું’ એ તો અનંત કાળપ્રવાહમાં ઉદ્દભવતું, તરતું, વહી જતું અને વિલીન થતું એક જીવનબિંદુ છે. એ જીવનબિંદુ જ આપણું ચેતનાબિંદુ છે. કદાચ એ જીવનસ્ફુલિંગને ઉપનિષદના ઋષિ આત્મા કહીને પ્રમાણે છે. આત્મા શું તે આપણા જેવા સામાન્ય માણસને ભલે ન સમજાય, પરંતુ વહી જતી ક્ષણને નીરખવાની ટેવ પડે તોય બેડો પાર !

 

ક્ષણપ્રવાહ ક્યારે શરૂ થયો એની ભાળ ન મળી તેથી ઋષિઓએ એને અનાદિ કહ્યો. એ પ્રવાહનો કોઈ અંત જણાતો નથી તેથી તેને અનંત કહ્યો. અનાદિ અને અનંત એવા એ ક્ષણપ્રવાહનો સંબંધ શાશ્વતી સાથે રહેલો છે. શાશ્વતીના એ મહાપ્રવાહમાં ક્યાંક ઊઠતા એક તરંગ જેવું આપણું જીવન ! એ જીવનને ગીતામાં व्यक्तमध्य કહ્યું છે. પરમાત્માએ આપણને જીવન નામની મહાન ભેટ આપી છે. વાતે વાતે સામા માણસને ‘થેંક યૂ’ કહેનારો માણસ જીવન જેવી મહાન ભેટ આપનારા પરમેશ્વરની પ્રાર્થના પણ ન કરે, તો એના જેવો નગુણો બીજો કોણ ? જીવતા હોવું એ જેવોતેવો ચમત્કાર નથી. એની આગળ બીજા બધા જ ચમત્કારો ફિક્કા પડી જાય છે. જીવતા હોવું એ ચમત્કાર ખરો, પરંતુ જીવંત હોવું એ બહુ મોટી સંપ્રાપ્તિ ગણાય. જીવંત હોવું એટલે ક્ષણે ક્ષણે જાગ્રત (aware) હોવું. જાગ્રત રહીને ક્ષણમાં નિવાસ કરનારી શાશ્વતીને નીરખવાની છે. આપણે એને ક્ષણયોગ કહી શકીએ. ક્ષણયોગ એટલે ક્ષણ સાથેનું તાદાત્મય. ક્ષણયોગ એટલે અનાદિ અને અનંત એવી શાશ્વતી સાથેનું ધ્યાનાનુસંધાન.

 

સરિતાનું સૌંદર્ય એના ખળખળ વહેતા પ્રવાહમાં રહેલું છે. ક્ષણસરિતાનું સૌંદર્ય પણ એના વહેણમાં રહેલું છે. પ્રત્યેક ક્ષણે પાંગરતી પરિવર્તનતાને નિહાળવી એ જ વિપશ્યના છે. વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું-પેખવું-નીરખવું. જગતના સમગ્ર સૌંદર્યની જનની પરિવર્તનતા છે. તેથી કહ્યું : ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાઃ| ક્ષણે ક્ષણે જે નવલાં રૂપ ધારણ કરે તે જ સુંદરતાનું ખરું સ્વરૂપ છે. પરિવર્તનતા અને રમણીયતા એકાકાર છે. છોડ પર ખીલેલું પુષ્પ પ્રતિક્ષણ પરિવર્તન પામતું રહે છે તેથી સુંદર છે. ઋતુઓ સુંદર દીસે છે કારણ કે ઋતુઓ પૃથ્વી પર મુકામ કરીને કાયમી અડ્ડો જમાવતી નથી. વસંત રમણીય છે કારણ કે વસંતના પેટમાં જ પાનખર બેઠેલી હોય છે.

 

આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્વેષ અને માયા-મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસવૃત્તિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે ? જ્યારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે. ક્ષણયોગ એટલે પૂરી માત્રામાં જીવવાનો જાગ્રત પ્રયત્ન. ખરો સાધુ ક્ષણયોગી છે તેથી નિર્લેપ છે. એ નિર્લેપ છે કારણ કે જીવનની પરિવર્તનતા સાથે એકરૂપ એવી રમણીયતાનો એ રસજ્ઞ છે. ક્ષણે ક્ષણે નવલાં રૂપ ! ક્ષણે ક્ષણે નવી રંગભૂમિ ! ક્ષણે ક્ષણે પ્રગટતી નિત્યનૂતનતા !

 

જે ક્ષણ આનંદવિહોણી છે,

તે જ ક્ષણ પરાયી છે.

જે ક્ષણ આનંદમય છે

તે જ ક્ષણ પોતીકી છે.

ઋષિ તે છે,

જેની બધી ક્ષણો આનંદમય છે.

ઋષિ આનંદમય છે,

તેથી જ ઈશ્વરમય છે.

પરમાત્મા આનંદસ્વરૂપ છે.

 

કવિ ટી.એસ. એલિયટ ‘ધ વેસ્ટ લૅન્ડ’માં એક પ્રશ્ન રજૂ કરે છે : ‘તમારી સાથોસાથ સતત ચાલતો એ ત્રીજો પુરુષ કોણ છે ?’ આફ્રિકાની સ્વાહિલી ભાષામાં વિખ્યાત એવી ઉક્તિમાં એલિયટના રહસ્યમય પ્રશ્નનો જવાબ મળે છે : ‘હું જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં તે મારી પાછળ પાછળ ચાલતો રહે છે. (પો પોટે નીન્દાપો એનિફુયેટા). સાચા સાધુને એવી પ્રતીતિ થાય છે કે ક્ષણે ક્ષણે એની સમીપે પરમેશ્વર હોય જ છે. ક્ષણની સાર્થકતા આવી પ્રતીતિમાં રહેલી છે. જીવનમાં થોડીક સાર્થક ક્ષણો મળે તોય ઘણું !

( Courtsey : ReadGujarati.com)

 

 

Subjects

You may also like
  • Bhakti
    Price: रु 190.00
  • Antsfurna (Intuition Knowing Beyond Logic)
    Price: रु 160.00
  • Samjan Shunyata
    Price: रु 190.00
  • Yog Abhyaas
    Price: रु 190.00
  • Dharma-Mahavir Vani No Anuvaad
    Price: रु 240.00
  • Yog Marg
    Price: रु 220.00
  • Naari
    Price: रु 180.00
  • Aatmiyata (Intimacy)
    Price: रु 140.00
  • Paripakvta (Maturity)
    Price: रु 140.00
  • Mukti (Freedom)
    Price: रु 150.00
  • Hridaysutra
    Price: रु 270.00
  • Dhyan Sutra
    Price: रु 190.00