Hatasha Thi Haro Nahi Depression Thi Daro Nahi by Saroj Joshi
'હતાશાથી હારો નહીં, ડિપ્રેશનથી ડરો નહીં'
સરોજ જોશી
'હતાશાથી હારો નહીં, ડિપ્રેશનથી ડરો નહીં' માં સરોજ જોશીએ એકવીસ કાઉન્સેલિન્ગ કથાઓ વર્ણવી છે. લેખક સલાહમાર્ગદર્શનનું કામ 'જીવનની એક સારી પ્રવૃત્તિ તરીકે' 'જ્યોતિસંઘ' અને 'સાથ' સંસ્થાઓ ઉપરાંત વ્યક્તિગત ધોરણે બિનવ્યાવસાયિક રીતે ગયાં દસેક વર્ષથી રીતે કરે છે. છૂટાછેડા અને પુનર્લગ્ન, પિતા-પુત્રના તણાવગ્રસ્ત સંબંધો, દત્તક સંતાન, મનોદૈહિક સમસ્યાઓ, હમઉમર જૂથ (પિઅર ગ્રૂપ) સાથે ભળવાના પ્રશ્નો, અજૂગતા યૌન સંબંધનો સકંજો, મુગ્ધપ્રેમની મૂંઝવણ, સંયુક્ત કુટુંબમાં અનુકૂલન, સાસુ-સસરા-પુત્રવધુનો ત્રાગડો, ભય કે લઘુતાથી ઘેરાયેલી મનોદશા, દાંપત્યજીવન જટિલતા, વ્યગ્રતાઓ અને વળગણો, જેવી અનેક બાબતો પુસ્તકમાં આવરી લેવાઈ છે. જોકે સલાહમનોવિજ્ઞાનના ઍકેડેમિક પુસ્તકનો પાસ ક્યાંય નથી. ગુજરાતીના રસિક પૂર્વ અધ્યાપક અને મનોવિજ્ઞાનના સ્વઅભ્યાસી સરોજબહેને સંવેદનકથાનું સ્વરૂપ બરાબર ખીલવ્યું છે. કાઉન્સેલિન્ગ માટેનો દરેક 'કેસ' એક હૃદયસ્પર્શી વાર્તા તરીકે વાચક સામે આવે છે એ લેખકની સિદ્ધિ છે. વળી, મોટિવેશન પુસ્તક જેવું સૂત્રાત્મક નામ તેમ જ મુખપૃષ્ઠ હોવા છતાં સરોજબહેનનો આ સંચય 'સેલ્ફ હેલ્પ બુક્સ' કરતાં જુદો છે. એ પ્રકારનાં મોટાભાગનાં પુસ્તકો જીવનની કઠિનાઈઓને ટૂંકા કિસ્સામાં, હાડમારીને ચબરાકિયામાં,સંકીર્ણતાને અવતરણોમાં ઘટાવી દેતા હોય છે. અહીં કાઉન્સેલર લેખક લાઘવના ભોગે પણ સમસ્યાને ઉઘાડીને મૂકે છે. સંજોગો અને પાત્રોને વિગતવાર આલેખે છે. અલબત્ત પુસ્તકના કેન્દ્રમાં એકંદરે ઉજળિયાત ઉચ્ચ મધ્યમવર્ગ છે. એટલે રોટી-કપડા-મકાન માટે રીબાતાં સ્ત્રી-પુરુષોનાં જાજરૂથી લઈને શરૂ થતાં અપાર કષ્ટની વાત અહીં હોવાનો પ્રશ્ન નથી. પણ સલાહકથાના આ સંગ્રહનો જે પટ છે તેમાં સ્વસ્થ અને રૅશનલ અભિગમ છે. એટલે તેમાં ધાર્મિકતા,દૈવવાદ અને બનાવટી અધ્યાત્મિકતા નથી. સમસ્યાનું વાસ્તવવાદી નિરુપણ અને ધીરજપૂર્વકનું એકંદરે વ્યવહારુ નિરાકરણ છે. લેખક તેમના નિવેદનમાં આપણા સમાજમાં વ્યાપક ડિપ્રેશનની મનોદશા વિશે વાત કરીને પછી જણાવે છે: 'મોટા સાયકોલૉજિસ્ટ કે સાયકોથેરાપિસ્ટ હોવાનો દાવો નથી...કોઈના મન સુધી પહોંચી,તે સંતોષકારક રીતે નિરાશામાંથી બહાર આવે ત્યારે મને હાશ થાય છે.'
|