Buy Lovely Pan House Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices લવલી પાન હાઉસ - ધ્રુવ ભટ્ટ વાર્તાનો નાયક કે જેનું નામ એના જ સંવાદમાં કહું તો “લખવાનું યાત્રિક ને બોલાવાનું ગોરો” ગોરા ને બદલે કોઈ ગોરીયો કહે તો એ ય કબૂલ. આ યાત્રિકની જીવન યાત્રા વાંચતા વાંચતા વાંચકને ખ્યાલ આવતો જાય કે આપણે સહયાત્રી છીએ. લેખકના શબ્દોમાં કહું તો ‘એક નક્કી અંતરના મુસાફર’. સહયાત્રાનો આનંદ છેક છેલ્લા પ્રકરણ સુધી માણતા રહેવાય છે. દરિયાના સામા કિનારાને શોધતી આંખો સુધીના દરેક પાત્રો એટલા સુંદર ઉપસે છે કે તમારૂં દિલ ક્યારે એની સાથે જોડાય અને વિશ્વાસનો નાતો બંધાય જાય તેની તમને ય જાણ ન થાય. એ પાત્રો આખર સુધી જીવન માટેની વાંચકની આશા વધારતા રહે છે. યાત્રિકના જ્ન્મ બાબતે એક વાક્યઃ ‘કોનો છોકરો?’ સદા અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન જન્મ્યો. આ એક વાકયમાં લેખકે કેટલું બધુ કહી દીધુ! અને લેખકની બીજી ખુબી તો જુવો! નથી એને ક્યાંય અનાથ કહ્યો કે નથી કહ્યો માતા વિહોણો. ઉલ્ટાનું કેટકેટલી માતાઓના પ્રેમ તળે તેને મૂકીને સ્ત્રીમાં રહેલી માતૃત્વની ભાવનાને લેખકે આ યાત્રિકના ય વંદન દર્શાવ્યા સિવાય વંદનીય સ્થાને મૂકી જાણી છે. માતાના ગર્ભના અંધકાર પછી આઠ-નવ વર્ષે પૂર્ણ અંધકારનું દર્શન અને એમાં ડૂબવાની વાતને ‘સવાર પણ સીધી મોં પર ઝળહળી નહીં. તિરાડોમાંથી સંતાઈને આવી’ કહીને લેખકે નિરાશાના પ્રતિક એવા અંધકાર અને એમાં ડૂબવાની પ્રક્રિયાને આનંદ અને આશાને શિખરે મૂકીને જે ચમત્કૃતિ રચી છે તેમાં ઊંધ શબ્દ વાપર્યા વગર ગાઢ આરામ પછીની સ્ફૂર્તિ પણ એટલી જ ત્વરિત દર્શાવાઈ છે. આવી ચમત્કૃતિ ઠેરઠેર જોવા મળે. હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતા વચ્ચે ઉછરતા યાત્રિકને જ્યારે રાબિયાએ મંદમતિ કહી ચીડવ્યો ત્યારે ક્ષણવાર સંત કબીર મનમાં ઝબકી ગયા. પુસ્તક વાંચીને એક ખ્યાલ સ્પષ્ટ થાય છે કે જીવનનો દરેક યાત્રિક કલા સાથે જ જન્મે છે. માવજત, કેળવણી કે કોઈ પણ બાહ્ય પરિબળનો સહારો મળતા એ વેલની જેમ ઊંચે ચઢવા લાગે છે અને ન ચઢે તો ય એ જીવંત રહી નાના ગણાતા પાન બનાવવાના જેવા કામમાં પણ એનું હીર ઝળકાવ્યા કરે છે અને સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. આ કથાના એક ઉત્તમ પાત્ર વલીભાઈની જેમ સ્તો! લગ્ન કે જાતિય વૃતિ સંતોષવાની કોઈ આશા કે ઈચ્છા વિનાના રાબીયા અને યાત્રિકના નિસ્વાર્થ પ્રેમને લેખકે અત્યંત શુદ્ધ અને પવિત્ર ભૂમિકા પર જરા ય અતિશયોક્તિ વગર સહજ રીતે દર્શાવ્યો છે.