Sneh Sarvar ane Chamatkar (Gujarati Translation of Love Medicine and Miracles) by Dr. Bernie Siegel
By: Bernie Siegel
સ્નેહ, સારવાર અને ચમત્કાર -
લેખક : ડૉ. બર્ની એસ. સીગલ, એમ.ડી
અનુવાદ : ડૉ. અમૃત આર. પટેલ, એમ.એસ.
વર્લ્ડ બેસ્ટસેલર “Love, Medicine and Miracles” - Dr. Bernie Siegel હવે ગુજરાતી ભાષામાં
અમેરિકન શસ્ત્રક્રિયા તજજ્ઞ પોતાના અનુભવ આધારિત વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા શીખવે છે તંદુરસ્ત જીવન જીવવાની કળા
ડૉ. બર્ની સીગલના ૧૯૮૬માં પ્રકાશિત થયેલા ‘Love, Medicine and Miracles’ પુસ્તકે મનુષ્યના સ્વાસ્થ્ય તથા જીવનને લગતાં કેટલાંય સત્યો પુન: ઉજાગર કર્યાં. આ પુસ્તક વિશ્વનું નોંધપાત્ર પુસ્તક બની ચૂક્યું છે તેમાં નવાઈ ન જ હોય.આપણા ગુજરાતમાં ભલે જૂજ, પણ આવા તબીબો પોતાના વ્યવસાયમાં અદ્ભુત પ્રયોગો કરી રહ્યા જ છે. ડૉ. અમૃતભાઈ પટેલ આવા જ તબીબ અને સર્જન છે. છેલ્લાં ૨૫ વર્ષોથી તેમણે ડૉ. સીગલના પુસ્તકનાં સત્યોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમના નેતૃત્વ હેઠળ લાખો ગરીબ દર્દીઓની સારવાર થઈ છે અને તેમના હાથે હજારો શસ્ત્રક્રિયાઓ થઈ છે.
ડૉ. અમૃતભાઈ પટેલ જેવા તબીબ આપણા રાજ્યમાં અને દેશમાં છે તે બાબતે હું અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. ભવિષ્ય માટે તેઓ આશાના ઉજ્જવળ દીપક છે. મને એવી શ્રદ્ધા છે કે ડૉ. અમૃતભાઈ પટેલમાંથી અનેકાનેક યુવા-તબીબો પ્રેરણા લેશે અને તેમના પ્રથમ સાહિત્યિક સર્જનમાંથી ગુજરાતી વાચકો જીવન જીવવા માટેનું અદ્ભુત સ્નેહ-શાણપણ પામશે.”
~ સંજીવ શાહ, ઓએસિસ
પુસ્તકના કેટલાંક અંશો –
જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન દ્વારા મનની સતત અવગણના કરવામાં આવી છે;
પરંતુ મન જ શરીર ઉપર શાસન કરે છે તે વાસ્તવિકતા છે અને સૌથી મહત્ત્વની મૂળભૂત બાબત પણ છે
જ્યારે ડૉક્ટર દર્દીના મનમાં આશાનું સિંચન કરે છે ત્યારે સારવારની શરૂઆત પહેલાં જ સ્વસ્થ થવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. બિનશરતી પ્રેમ એ રોગપ્રતિકારક શક્તિનો સૌથી શક્તિશાળી ઉદ્દીપક છે.
દરેક પરિસ્થિતિમાં પ્રેમપૂર્વક જીવવાની પસંદગી કરીને અને જીવનનો અર્થ નજર સમક્ષ રાખીને તમે તમારા જીવનને દીર્ઘાયુ બનાવી શકો છો.
પ્રેમ મનુષ્યને સાજો કરી શકે છે - ખરેખર આ જ સત્ય છે.
“તબીબી વિજ્ઞાનની માન્યતાથી વિરુદ્ધ ખરેખર તો રોગ માણસનો શિકાર નથી કરતો, પરંતુ માણસ પોતાને રોગનો શિકાર બનાવે છે. રોગ જન્માવે તેવાં તમામ પરિબળો તો સતત આપણી આજુબાજુ હોય જ છે. પરંતુ જ્યાં સુધી આપણી આંતરિક શક્તિ મજબૂત હોય ત્યાં સુધી આ પરિબળો આપણા શરીરને નુકસાન કરી શકતાં નથી. વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ દર્દીના જીવનની ગુણવત્તા અને લંબાઈ નક્કી કરે છે, તે બાબતની મોટા ભાગના ડૉક્ટરો અવગણના કરે છે...
પ્રત્યેક દર્દી અપવાદરૂપ દર્દી બની રોગને માત આપી શકે છે, અને અપવાદરૂપ બનવાનો શ્રેષ્ઠ સમય બીમાર થવા પહેલાંનો હોય છે. ઘણા માણસો પોતાની જીવનશક્તિનો ઉપયોગ જ્યાં સુધી તેઓ ગંભીર રીત બીમાર ન થાય ત્યાં સુધી કરતા નથી. પરંતુ આ બાબત છેલ્લી ઘડીએ જાગવાની બાબત નથી. મનની શક્તિ આપણા સૌની પાસે જીવનની શરૂઆતથી અને સતત હોય છે અને તેનો ઉપયોગ કરવાની તક કોઈ દુર્ઘટના આપણને ભયભીત કરે તે પહેલાં હોય છે. આ બાબતને કોઈ ધર્મ કે મનોવિજ્ઞાનની સાબિતીની જરૂર નથી...
પોતાની જાતને પ્રેમ કરી શકવાની ક્ષમતા અને જીવનને પ્રેમ કરી શકવાની ક્ષમતા સાથે જીવનની અચોક્કસતાનો સ્વીકાર આપણને જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રેરણા આપે છે. આ પુસ્તક એવા રૂપાંતરણની પ્રક્રિયા માટે એક માર્ગદર્શિકા છે અને મારા દર્દીઓ પાસેથી મેં મેળવેલું અમૂલ્ય શિક્ષણ પણ...”
|