Timirpanthi (Navalkatha) By Dhruv Bhatt
તિમિરપંથી ( નવલકથા)
ધ્રુવ ભટ્ટ
ધ્રુવભાઈની આ નવી નવલકથા તિમિરપંથી એક એવા વર્ગની વાત કરે છે, જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. તેનાં પાત્રો રધુ, તાપી, વાબી, સતી, નાનકી, વિઠ્ઠલ, નારિયો વાંચકોના મન પર તેમની આ પહેલાની નવલકથાના પાત્રોની જેમ જ ઊંડી છાપ છોડી જશે એ ચોક્કસ છે. ચોર્યકળાના નિયમો અને જોખમો તથા ગુરુ અને પૂર્વજોની આજ્ઞાની વાતો વાંચકોને આશ્ચર્યમાં મૂકવા સક્ષમ છે. આ મનુજોની કથા ચોસઠમી વિદ્યાના કળાધરો તથા તે વિદ્યા જાણનારા મહાનાયકોની એક જુદી જ છાપ લોકો સમક્ષ ઊભી કરે છે.
ધ્રુવભાઈ આ પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે તેમ, શ્રી મનોજ બસુનું પુસ્તક નિશિકુટુંબ મેં અનેકવાર વાંચ્યું છે અને દરેક વખતે મને મારા પ્રદેશમાં, મારી આસપાસ તેના પાત્રોને શોધવાની, તેમને મળવા અને જાણવાની ઈચ્છા થઈ આવી છે. છેલ્લા બે વરસમાં મારી તે ઈચ્છા પૂરી કર્યા પછી મને લાગે છે કે મેં જોયેલા, જાણેલા મનુજોની, મારી સમજમાં આવેલી વાતો મારે ગુજરાતી વાચકો સામે મૂકવી જોઈએ. વિવિધ જાતીના લોકોને મળ્યા પછી મેં છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા પ્રયત્ન કર્યો છે. બસુદાને પહોંચવાનું તો ઠીક, તેમને અનુસરવાનું પણ મારું ગજું નથી. બંગાળની ગરીબી, ત્યાંનું શોષણ, બંગાળની પીડા હું ગુજરાતમાં ફરતાં જોઈ શક્યો નથી. બંગાળી લખનારાને મળેલી ભૂમીગત સર્જનાત્મકતાનો મારામાં સ્વભાવિક રીતે અભાવ હોય તે પણ હું સમજું છું અને અને સ્વીકારું છું.
|