કોઈ પણ મા માટે વહાલસોયી પુત્રીના મૃત્યુની કથા કહેવાનું કામ અતિ કપરું છે, પણ આ મૃત્યુની કથા કરતાં જીવનની કથા વધુ છે. અને તેમાં એક સુકુમાર અને સમજદાર કન્યાની જીવન વિશેની દૃષ્ટિનાં એટલાં બધાં પાસાં ઊઘડયાં છે કે કથામાં છલોછલ કરુણતા હોવા છતાં, એનો અંતિમ સંદેશ પ્રકાશનો રહે છે. ભાષાની છટા કે શૈલીની સફાઈની જેમાં સહેજ પણ જરૂર નથી પડી એવી નર્યા નીતર્યા સંવેદનની, પ્રેમની અને મૃત્યુ ભણી જતા જીવનમાં થઈ રહેલા ઉઘાડની આ સત્યકથા સીધી હૃદયના ઊંડાણમાંથી આવી છે અને એટલે જ હૃદયને એટલા ઊંડાણથી હલાવી મૂકે તેવી છે. આ પુસ્તક વાંચનાર જીવન અને મૃત્યુ - બન્નેના ગાંભીર્ય અને સુંદરતાની વધુ નજીક પહોંચશે એવી મારી શ્રદ્ધા છે.-કુન્દનકિા કાપડીઆ